તારીખ 22 મી નવેમ્બરે પાટણ જિલ્લાના સંડેર ગામે ઉત્તર ગુજરાત 42 લેઉવા પાટીદાર સમાજનો દ્વિતીય રાત્રી સમૂહ લગ્નોત્સવ યોજાઈ ગયો. જેનું આયોજન બેતાલીસ લેઉવા પાટીદાર યુવા સંગઠન અને બેતાલીસ લેઉવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં 74 નવ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા. આશરે 35000 થી 40,000 લોકોની હાજરીમાં યોજાયેલ સમૂહલગ્નમાં આયોજકોના માઈક્રો પ્લાનિંગથી લોકો દંગ રહી ગયા હતા. કોઈને કશી પણ તકલીફ ના પડે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું.
નવયુગલોમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલ 8 દીકરીઓ અને 7 દીકરાઓએ પણ સમાજના સહયોગથી નવજીવનની શરૂઆત કરી હતી. તેમજ 2 વિદેશી યુગલો, 2 ડૉક્ટર દીકરીઓએ પણ સમૂહલગ્નમાં નવજીવનની શરૂઆત કરી હતી. આશરે 90 વીઘા જમીનમાં 3.5 કરોડના ખર્ચે દાતાઓના સહયોગથી આ સમૂહલગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

નવદંપતીઓને 15 લાખનો વીમો અને 3.5 લાખની કિંમતની 100 થી વધુ જીવનજરૂરી વસ્તુઓ કન્યાદાનમાં આપવામાં આવી હતી. શિયાળાની ફુલગુલાબી ઋતુમાં આયોજન કરાયું હોવાથી આયોજનને ચાર ચાંદ લાગી ગયા હતા. ઋતુએ પણ પૂરતો સહયોગ આપ્યો હતો.
જાજરમાન એન્ટ્રી ગેટ (200 x 50) તેની ભવ્યતાની ઝાંખી કરાવતો હતો. ગેટ ઉપર મહેમાનોનું સ્વાગત કરતા સંગીતથી વાતાવરણ ભાવમય બની ગયું હતું. પ્રવેશદ્વારની અંદર પાટીદાર સંસ્કૃતિને ઉજાગર કરતો ટેબ્લો લોકોને જુના દિવસોની યાદ તાજી કરાવતો હતો. લોકોને સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર પહેલા ખેતીમાં વપરાતી વસ્તુઓ, ઘરમાં વપરાતી વસ્તુઓ કે જે સમયની સાથે તેનો ઉપયોગ ઘટી જતા કે ના થતા દુર્લભ બની ગઈ છે તેવી વસ્તુઓનું પ્રદર્શન હતું.. તે જોઈ લોકો તેના નામ જોઈ કે યાદ કરીને ભૂતકાળને વાગોળતા હતા. તેમજ નવી પેઢીને તેના ઉપયોગ વિષે સમજાવતા હતા. લોકો વળી વળીને તે જોવા માટે આવતા હતા.સમાજની સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા આ માટે આયોજકોએ જૂની વસ્તુઓ ભેગી કરવા માટે કેટલી મહેનત કરી હશે તે કલ્પનાનો વિષય છે.
ખાસ તો આજે લોકો અલગ અલગ શહેરોમાં વસી રહ્યા છે. તેથી સગાસંબંધીઓને મળવું મુશ્કેલ બની ગયું છે. તેવા સમયે આ સમૂહલગ્નોત્સવ સૌના મિલનનું સ્થળ બની ગયું હતું. લોકો એકબીજાને મળીને જે આનંદ વ્યક્ત કરી રહ્યા હતા તે પ્રસંગની સફળતા વ્યક્ત કરતો હતો. આ તેનો સૌથી મોટો આડકતરો ફાયદો ગણી શકાય. જેમાં વૃદ્ધો અને અશક્ત લોકો માટે 100 ઈ રીક્ષા અને વીલ ચેર ની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકો માટે ખાસ ગેમઝોન તથા ઘોડિયાઘરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી. આટલામોટા માનવમહેરામણ માટે પાર્કિંગની આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી હતી તેથી કોઈને કોઈ તકલીફ પડી ન હતી.
આ સમૂહલગ્નમાં દાન કરનાર અગ્ર દાતાઓનું સજોડે વિવિધ સામાજિક અને રાજકીય અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
સમૂહલગ્નમાં જે 74 લગ્ન માટે ચોરી (Chori ) બનાવવામાં આવી હતી. દરેક ચોરી (Chori )ની આસપાસ પૂરતા પ્રમાણમાં મોકળાશ હતી. ચોરી (Chori )ના પ્રવેશદ્વાર આગળ વરરાજા અને કન્યાનું નામ તેમજ ગામનું નામ લખેલ બોર્ડ હતું તેથી કોઈને તકલીફ ના પડે. એકબાજુ મંડપ મંત્રોચ્ચાર ચાલતા હતા અને બીજી બાજુ સ્ટેજ ઉપર સન્માન સમારંભ અને વિવિધ આગેવાનોના ભાષણો ચાલતા હતા પરંતુ બંનેના અવાજો એકબીજાને અડચણરૂપ ન હતા . જે નોંધનીય બાબત હતી. જો કે એક જ જગ્યામાં વધારે લોકો એકઠા થતા નેટવર્ક ખોરવાઈ ગયું હતું. જે માટેની રજુઆત આયોજકો દ્વારા પહેલેથી જ લાગતાવળગતી એજન્સીને કરવામાં આવી હતી.
સુરતના સામાજિક અગ્રણી મહેશભાઈ સવાણીએ સમૂહ લગ્નમાં લગ્ન કરાવનાર માબાપને સમજદાર ગણાવ્યા હતા. તેમને ભણતરમાં પણ અંગ્રેજી મીડીયમ સ્કૂલ પાછળની ઘેલછા ઉપર આકરા પ્રહાર કર્યા હતા. દેખાદેખીથી બચવા સલાહ આપી હતી. સમુહલગ્નના આયોજનથી ખુશ થઈને તેમને વયસ્કોએ હવે સ્ટેજ છોડીને યુવા પેઢીને જગ્યા આપવા અપીલ કરી હતી.પરંતુ ઘરડાઓ જગ્યા ખાલી કરવા તૈયાર નથી તે બાબતની તેમને વાસ્તવિકતા વ્યક્ત કરી હતી. તેમણે સલાહ આપી હતી કે દીકરી કરિયાવરમાં શું લાવી તે જોવાનું ટાળવું જોઈએ. તે તેના છોકરા પાછળ તમારા છોકરાનું નામ લગાડવાની છે તે બાબત મહત્વની છે.
પૂર્વ કલેક્ટર એમ.એસ. પટેલે સામાજિક બદલાવ તરફ અંગુલી ચીંધતા જણાવ્યું હતું કે જેમને પણ દાન આપ્યા છે તેમને સજોડે બેસાડ્યા છે તે સૂચક છે, ઘરની લક્ષ્મીની પરવાનગી વગર પુરુષ દાન કરી શકે તે હવે શક્ય નથી. તેથી બંનેનું સન્માન થવું જોઈએ. સમુહલગ્નની શરૂઆત ઊંઝા ઉમિયાધામથી કરવામાં આવી હતી. આજે દરેક સમાજ સમૂહલગ્નનું આયોજન કરે છે. તેમને સમૂહલગ્નોત્સવ વિષે નોંધ લેતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દિલથી કર્યો છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે.
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફીયાએ શિક્ષણ પાછળના ખર્ચને રોકાણ તરીકે ગણાવ્યો હતો. સમાજે યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટ માટે પ્રયાસ કરવા જણાવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે ખેતી હવે પરવડે તેવી રહી નથી ગામડાઓ ખાલી થઇ રહ્યા છે.તકલીફ ના હોય તો તેમને મોજશોખ માટે ખેતર ના વેચવા સલાહ આપી હતી.
42 લેઉવા પાટીદાર યુવા ટીમના ઉપાધ્યક્ષ હાર્દિક પટેલે દાતાઓનો આભાર માન્યો હતો. તેમને માહિતી આપી હતી કે 74 યુગલો માટે 22 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. પ્રથમ સમૂહલગ્નમાં મંગળફેરા ફરનાર સંખારીની દીકરી અને કલ્યાણાની વહુ મૈત્રી પટેલના જીવનમાં એક દુઃખદ ઘટના બની. અકસ્માત થતા તેમને વીમા કંપની તરફથી 8.6 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. વિવિધ શહેરોના સ્નેહમિલનમાં જે તે શહેરના લોકો જ હોય છે પરંતુ અહીં સમગ્ર 42 લેઉવા પાટીદારના લોકો ભેગા થયા છે. સૌ એકબીજાને મળવામાં વ્યસ્ત છે. ભોજનના દાતા દ્વારા જૂની પેઢી અને નવી પેઢી બંનેના સ્વાદનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કોઈ કસર છોડવામાં નથી આવી તેમ જણાવ્યું હતું.
ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ સમાજને કિરીટભાઈ જેવા ધારાસભ્યો પેદા કરવાની સલાહ આપી હતી. જેમના અવાજનો વિધાનસભામાં પણ પડઘો પડે છે. તમારી પાસે સારા નેતા હશે તો તમારે કોઈની દાઢીમાં હાથ નહીં નાખવો પડે.
પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ જણાવ્યું હતું કે દરેક દાતા લક્ષ્મી સાથે આવે તેવી નવી પ્રથા માટે શુભેચ્છા પાઠવી હતી.આ યુવાનોએ સમાજના વૃદ્ધોને દ્વારકા, ખોડલધામ અને સોમનાથના દર્શન કરાવ્યા. જેઓ ચાલી નોહતા શકતા તેમને વીલચેરમાં બેસાડીને પણ દર્શન કરાવ્યા હતા. તેનો હું સાક્ષી છું. ફક્ત 42 ગામનો સમૂહ આવા ભવ્ય સમુહલગ્નનું આયોજન કરતો હોય તો વિશાળ સમાજો માટે તે ઉદાહરણરૂપ છે.
રણજિત બિલ્ડકોનના ગૌરાંગભાઈ પટેલે જાહેરાત કરી હતી કે વર્ષ 2028 માં જે તૃતીય સમુહલગ્ન યોજવાના છે. તેના ભોજનનો તમામ ખર્ચ રણજિત બિલ્ડકોન ઉપાડશે.
પુદગમની દીકરી પરીને 42 લેઉવા પાટીદાર યુવા સંગઠને દત્તક લીધી છે. તેના પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા, દાદા મૃત્યુ પામ્યા અને માતા બીજે જતા દીકરી નોધારી બની ગઈ. તેને યુવા સમાજે દત્તક લીધી છે અને છેલ્લા ત્રણ વર્ષથી તેનો અભ્યાસનો તમામ ખર્ચ ઉપાડે છે.
આપના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા વ્યક્તવ્ય આપવા ઉભા થતા લોકોએ હર્ષનાદથી વધાવી લીધા હતા. તે તેમની વધતી લોકપ્રિયતાની નિશાની છે. તેમને સમુહલગ્નના મોંફાટ વખાણ કર્યા હતા. તેમને જણાવ્યું હતું કે દાન આપવાવાળા દાતાઓ ના હોય તો આયોજન શક્ય જ નથી. હું રાજકારણમાં છું. જયારે મોટા મેળાવડા હોય ત્યારે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ બધું સંભળાતી હોય છે. પરંતુ એટલું સરસ આયોજન છે કે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ટૂંકી પડે. એટલો મોટો જમણવાર હોવા છતાં રસોડામાં ક્યાંય અવ્યવસ્થા દેખાતી નથી.સમૂહલગ્નમાં ભારતનો રાષ્ટ્રધ્વજ એટલો ઊંચો લગાવ્યો હોય તેવું મેં પ્રથમ વખત જોયું છે.
આપણા બાપદાદાઓ ખેતીના જે ઓજારોનો ઉપયોગ કરતા હતા તેમજ આપનો પહેરવેશ અને સંસ્કૃતિને લાગતું જે પ્રદર્શન છે તે આકર્ષણનું કેન્દ્ર છે.નવી પેઢીને તે વિષે માહિતી મળી રહે તે આશય ચરિતાર્થ થઇ રહ્યો છે. તેમને સમગ્ર આયોજનના સેનાપતિ તરીકે કિરીટ પટેલની પ્રશંસા કરી હતી.
પાટીદાર સમાજે ગુજરાતને દિશા આપવાનું અને અગેસર રાખવાનું કામ કર્યું છે. યુવાનોને ભણાવવા સમાજની હોસ્ટેલનું આયોજન પ્રથમ પાટીદાર સમાજે કર્યું. સમુહલગ્નની શરૂઆત પાટીદાર સમાજે કરી. સહકારી પ્રવૃત્તિ વડે કાર્ય કરી વધારે સારું વળતર મેળવી શકાય તે પાટીદાર સમાજે કરી બતાવ્યું.
અત્યારે ફેસબૂક અને વૉટ્સએપ્પ જેવા સોસીઅલ મીડિયા આપણા જીવનનો ભાગ બની ગયો છે. એ.આઈ. નો જમાનો આવ્યો છે. આપણે ટેકનોલોજીને ઓળખીને તે દ્વારા આગળ વધવાનું છે. તે જવાબદારી આપણા યુવાનોની છે.
તેમને 42 ગામના સમાજ દ્વારા એટલું ભવ્ય આયોજન કરાયું તે નોંધનીય બાબત છે. એટલા નાના સમાજમાં એટલા બધા ઉદાર દાતાઓ તે પણ નોંધનીય બાબત છે. જો કે મહિલાઓને પણ સાથે રાખી તે બાબતને બિરદાવી હતી. તેમજ સમાજના યુવાનો અને મહિલાઓએ સ્વયંસેવક તરીકે કાર્ય કરી કાર્યક્રમને સફળ બનાવ્યો તેમના યોગદાનને પણ વધાવ્યું હતું.
પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પેટેલે વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે આ સંસ્થા 10 વર્ષથી કાર્ય કરી રહી છે . તેમને કોરોના વખતે પાટણના દવાખાનાઓમાં 25 દિવસ સુધી 2500 થી વધુ લોકોને મોસંબીનો રસ કાઢીને પીવડાવ્યો હતો. ઈશ્વરકૃપાથી કોઈને કોરોનની અસર થઇ ન હતી. તેમને યુવાનો અને મહિલા મંડળના સભ્યો વિષે જણાવ્યું હતું કે કુત્રિમ આપદાઓનો સામનો કરીને પણ તેમણે મક્કમતા જાળવી રાખી સમાજની દીકરી દીકરાઓને કઈ રીતે ફાયદો થાય તે દિશામાં ધ્યાન આપી કાર્યક્રમને સફળ બનાવવા અથાગ મહેનત કરી તે પ્રશંસાને પાત્ર છે.
પરમ પૂજ્ય બ્રહ્મચારી શ્રી મુકુંદકુમાર મહારાજે સૌ કન્યાઓ દ્વારા સૌ પ્રથમ ગૌ પૂજન કરવામાં આવ્યું તેને મહત્વ આપ્યું હતું. તેમને જીવનમાં અને દરેક કાર્યમાં ધર્મને ઉપર રાખવો જોઈએ તે વાત પર ભાર આપ્યો હતો. જો કે આપણે ત્યાં એવું નથી તે બાબતે ખેદ વ્યક્ત કર્યો હતો. ગૌ માતા ધર્મનો આધાર છે. આપણા સમાજની ઉન્નતિ ખેતી દ્વારા થઇ છે. ખેતી અને ગાય એકબીજા સાથે જોડાયેલા છે. માં ઉમિયાનું વાહન પણ નંદી છે.
આ કાર્યક્રમમાં સંસદસભ્ય ગની બેન ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, ખોડલધામ ટ્રસ્ટી તેમજ ભરૂચ જિલ્લા 42 લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ ભરત પટેલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.