જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે અંકલેશ્વર એસ્ટેટની વસ્તી વધતા પાણીની જરૂરિયાત વધી છે. તેના અનુસંધાને પાણીની સ્ટોરેજ ક્ષમતા પણ વધારવામાં આવી છે. અત્યારસુધી આપણે ઉકાઈ કેનાલમાંથી પાણી મળતું હતું. તેમાં દર વર્ષે રીપેરીંગ વખતે 30 થી 45 દિવસનો પાણી કાપ રહેતો હતો. પરંતુ આ વર્ષે 90 દિવસનો પાણી કાપ રહેવાનો છે. કેનાલના સ્ટ્રક્ચર 1958-60 માં બનેલા છે. કેટલીક અવાવરું જગ્યાએ પીપળા અને વડ ઉગી જતા તેનું રીપેરીંગ જરૂરી છે. નહીંતર તે તૂટતાં આખું વર્ષ પાણીની હાડમારી ભોગવવી પડે. આ રીપેરીંગ માટે 600 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
આ પાણી કાપના ઉકેલ તરીકે કરજણ ડેમમાંથી નીકળતી કેનાલમાંથી ઝગડીયા એસ્ટેટ નજીકથી પાણી 600-700 મીટરની પાઇપ નાખી મેળવવામાં આવશે. આ માટેની તૈયારી કરી દેવામાં આવી છે. જો કે કરજણ કેનાલનું પણ રીપેરીંગ કામ થવાનું છે. તે માટે 143 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તેથી બંનેને પાણીની તકલીફ ના પડે તે માટે વારાફરતી રીપેરીંગ કામ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું જતું કે ભાડભૂત બેરેજ તૈયાર થઇ જતા તેમાંથી પાણી મેળવવામાં આવશે. ભાડભૂત બેરેજની ક્ષમતા 595 mcm ની છે. જેમાંથી આસપાસના સાત તાલુકાની પ્રજા માટે પીવાના પાણીની વ્યવસ્થા કરશે. જેમાં દક્ષિણ બાજુ અંકલેશ્વર, હાંસોટ, ઓલપાડ તેમજ જમણી બાજુ ભરૂચ, વાગરા , આમોદ અને કરજણ નો સમાવેશ થાય છે. જે પાણી શુદ્ધ કરીને અપાશે. તે માટે 1700 કરોડ તેમના વિભાગ તરફથી ફાળવવામાં આવ્યા છે. આ કામ દિપાવલી પછી ચાલુ થઇ જશે અને દોઢ વર્ષમાં કામ પૂર્ણ કરવાનું આયોજન છે.