અંકલેશ્વર એસ્ટેટ રહેણાંક વિસ્તારમાં ઈએસઆઈ હોસ્પિટલ સામે આવેલ શ્રી ખોડલધામ નવરાત્રી ગ્રાઉન્ડ ખાતે શ્રી ખોડલધામ અંકલેશ્વર નવરાત્રી મહોત્સવ-2026 નો પરમપૂજ્ય મહંત શ્રી કરસનદાસ બાપુ (પરબધામ) તેમજ રામકુંડ મહામંડલેશ્વર ગંગાદાસ બાપુના પાવન હસ્તે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાઈ ગયો. ભક્તિ દ્વારા એકતાની શક્તિ અને આપણી દીકરી આપણે આંગણે ના મંત્ર સાથે સતત ચોથી વખત સફળ આયોજન કરાઈ રહ્યું છે.
પરમપૂજ્ય મહંત શ્રી કરસનદાસ બાપુ 92 વર્ષની ઉંમરે પણ અંકલેશ્વર પધાર્યાં તે અંકલેશ્વર માટે સૌભાગ્યની ઘડી છે. તેમની સાથે ગંગારામબાપુ પણ વ્યસ્ત કાર્યક્રમ છોડીને પધાર્યાં હતા.
પરમપૂજ્ય મહંત શ્રી કરસનદાસ બાપુ એ બાળાઓને દેવી સ્વરૂપ ગણાવી આશીર્વાદ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પૂર્ણ ભક્તિભાવથી ગરબા રમાશે અને ચોસઠ જોગણીઓ અને માં આંબા, દુર્ગા ગરબા રમવા આવશે.

આ સાથે પરમપૂજ્ય મહંત શ્રી કરસનદાસ બાપુના માનમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલી સાથે પરમપૂજ્ય મહંત શ્રી કરસનદાસ બાપુ ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા હતા. તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બાળાઓએ શિવ સ્તૃતિ સાથે નૃત્ય કરીને લોકોના દિલ જીતી લીધા હતા. તેમજ પરમપૂજ્ય મહંત શ્રી કરસનદાસ બાપુના કાર્યોનો પરિચય આપવામાં આવ્યો હતો.
શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.