અમેરિકા ખાતેની ફાર્માસ્યુટિકલ કંપની ટેક-ઓવર કરવાના બહાને ઉદ્યોગપતિ સાથે રૂપિયા રૂપિયા ૧૬ કરોડની મોટી ઠગાઈ આચરવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. અમેરિકામાં વર્કિંગ કેપિટલ પેટે ૨૦ લાખ USDની લોન આપવાના નામે ઉદ્યોગપતિની કંપનીના ૩.૨૦ લાખ શેર સિક્યૉરિટી પેટે પોતાના નામે કરાવી લઈ છેતરપિંડી આચરવા બદલ પાદરા પોલીસ મથકે USAમાં રહેતા પિતા-પુત્ર, કંપની માલિક અને CA સહિત કુલ ૪ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા યશવંત પટેલ પાદરાના ડભાસા ગામે વર્ષ ૧૯૯૭થી ઈલીઝિયમ ફાર્માસ્યુટિકલ લિમિટેડ નામની કંપની ચલાવે છે. વર્ષ ૨૦૧૧થી તેઓ મૂળ આલીન્દ્રા (નડિયાદ) અને હાલ અમેરિકા સ્થિત નીલેશ એમ. પટેલ સાથે દવાઓના વેચાણનો વેપાર કરતા હતા. નીલેશ પટેલે અમેરિકામાં ઈન્વાટેક ફાર્મા સોલ્યુશન એલએલસીમાં પોતે ભાગીદાર હોવાનું જણાવી કંપનીમાં નાણાકીય ભીડ હોવાથી તે વેચવાની વાત કરી હતી. તેમણે યશવંત પટેલને આ કંપની ટેક-ઓવર કરવાથી મોટો નફો થશે તેવી લાલચ આપી તેમના ભાગીદાર ડૉ. હેમંત પટેલ સાથે મુલાકાત કરાવી હતી. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ડૉ. હેમંત કનુભાઈ પટેલ, તેમનો પુત્ર કિશન પટેલ અને CA હર્ષ દીપકભાઈ ડોલીયા ડભાસા ખાતે ઈલીઝિયમ કંપનીની ઓફિસે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાની ઈન્વાટેક કંપનીની વેલ્યૂ ૧૦.૫ મિલિયન યુએસ ડૉલર છે, અને તેના ૧૦૦ % શેર હેમંત પટેલની માલિકીની બી.પી.એચ. ફાર્મા પાસે છે. તેમણે ૫૧% શેર (વેલ્યૂ ૫૩.૫૫ લાખ ડૉલર) ઈલીઝિયમ કંપનીના નામે ટ્રાન્સફર કરવાની ખાતરી આપી હતી. જે પેટે એપ્રિલ ૨૦૨૪માં અમેરિકા ખાતે ત્રણેય પક્ષો વચ્ચે MOU પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઈન્વાટેક કંપની ચલાવવા ભારતમાંથી અમેરિકા વર્કિંગ કેપિટલ મોકલવા RBIની મંજૂરી જરૂરી હોવાથી યશવંત પટેલે જરૂરી દસ્તાવેજો માગ્યા પણ ભેજાબાજોએ દસ્તાવેજો ન આપી જાણીજોઈને નાણાકીય કટોકટી ઊભી કરી હતી. અંતે ડૉ. હેમંત પટેલે પોતે ૨૦ લાખ યુએસ ડૉલરની લોન આપવાનું કહી તેના બદલામાં સિક્યૉરિટી પેટે ઈલીઝિયમ કંપનીના ૩,૨૦,૦૦૦ શેર માગ્યા હતા. યશવંત પટેલે વિશ્વાસ રાખી આશરે રૂપિયા ૫૦૦નાં ભાવ લેખે રૂપિયા ૧૬ કરોડના શેર હેમંત પટેલના ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા હતા. શેર મેળવી લીધા બાદ ભેજાબાજોએ ન તો ૨૦ લાખ ડૉલરની લોન આપી કે ન ઈન્વાટેક કંપનીના ૫૧ % શેર ટ્રાન્સફર કર્યા કે ન તો કંપની ટેક-ઓવર કરાવી આપી હતી. વારંવાર માગણી કરવા છતાં રૂપિયા ૧૬ કરોડના શેર કે નાણાં પરત ન કરી વિશ્વાસઘાત કર્યો હતો. આ સમગ્ર મામલે ઉદ્યોગપતિએ અગાઉ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં કરેલી અરજી કરી હતી. જેના આધારે ગઈકાલે રાતે પાદરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો