તાજેતરમાં અંકલેશ્વર જીઆઇડીસીમાં રહેણાંક વિસ્તારના પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. તેમાં ઉદ્યોગકારોને પ્લોટ અને જીઆઈડીસીના કર્મચારીઓને પ્લોટ ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ ઉદ્યોગકારોની અરજીની સામે પ્લોટ ફાળવણી થતા બાકી ઉદ્યોગકારોમાં ભારે નારાજગી રહી છે.
અંક્લેશ્વર જીઆઇડીસીમાં પ્લોટની ફાળવણીનો મામલો 2018થી ગુંચવાયેલો હતો. 8 વર્ષ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં મામલાનો ઉકેલ લાવી પ્લોટની ફાળવણી શરૂ કરવામાં આવી હતી. ઉદ્યોગકારોની પ્લોટની માગણી માટે કરાયેલી 1,518માંથી 1,344 અરજીઓ રદ કરી નાખવામાં આવી છે. અટકેકે 174 પ્લોટની ફાળવણી કરવામાં આવી છે.
આ મુદ્દે રજૂઆત કરવા મોટી સંખ્યામાં નારાજ ઉદ્યોગકારોનું એક ટોળું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની કચેરી ખાતે પહોંચ્યું હતું. ત્યાં પ્રતિનિધિ મંડળ સાથે ચર્ચા કર્યા બાદ એઆઇએ પ્રમખ વિમલ જેઠવા મેનેજિંગ કમિટીના સભ્યો અને અસરગ્રસ્ત ઉદ્યોગકારો સીધા જીઆઇડીસીના વહીવટી સંકુલ ખાતે પહોંચી ગયા હતા. ત્યાં અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

આ મામલે કાનૂની માર્ગ અપનાવવા તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. એઆઈએ પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે પૂર્તતા ખૂટતી હોય તો તે પૂરી કરાવી અરજીઓ ગ્રાહ્ય રાખવા બાબતે જીઆઈડીસી સહિત સંબંધિત વિભાગોમાં લેખિત પત્ર લખી રજૂઆત કરાઈ છે.
વર્ષ 2018માં રેસિડેન્શિયલ પ્લોટ માટે 1,518 અરજીઓ આવી હતી. કડક સ્કૂટિનીના નામે 1,344 અરજીઓ અમાન્ય ઠેરવી માત્ર 174 અરજીઓ માન્ય રાખાઈ હતી. હાલ જીઆઈડીસી પાસે 828 પ્લોટ ઉપલબ્ધ છે. છતાં મૂળ અરજદારોને વંચિત રાખાતા રોષ વ્યાપ્યો છે. સ્કૂટિનીના નિયમોમાં છૂટછાટ આપી રદ થયેલી અરજીઓની પુનઃચકાસણી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
અંકલેશ્વર જીઆઈડીસી માં પ્લોટ ફાળવણી મુદ્દે મોટો ધમાસાણ : 828 પ્લોટ હોવા છતાં સ્થાનિક ઉદ્યોગકારો વંચિત રાખવામાં આવ્યા.
જો કે અંકલેશ્વર જીઆઈડીસીમાં અગાઉ જીઆઈડીસીના કર્મચારીઓને પ્લોટ ફાળવણી કરી હતી. તેમાં કેટલા કર્મચારીઓ રહે છે તે તપાસનો વિષય છે. સત્ય બહુ કડવું છે અને સૌ જાણે છે. અંકલેશ્વર પ્રદૂષણના નામે બદનામ છે છતાં કોઈ કર્મચારી રહેણાંક વિસ્તારમાં પ્લોટ લેવાની ના પાડતા નથી. ઉલ્ટાનું તે લેવા માટે પોતાની બધી તાકાત અપનાવી લે છે.
પ્લોટની વહેંચણી બાબતે વિવાદ થવાનો જ હતો તે સૌ જાણતા હતા તે માટે એક કે બીજા બહાને તેને ખેંચવામાં આવતો હતો. આખરે તે પળ આવી પહોંચી.