અંકલેશ્વર એસ્ટેટમાં ઉદ્યોગકારોને રહેણાંક વિસ્તારમાં પ્લોટની ફાણવણી કરવામાં આવે છે. કેટલાક ઉદ્યોગકારો બાકી રહી ગયા હતા. તેમની અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ હતી. તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અંકલેશ્વર એસ્ટેટની મુલાકાતે આવ્યા હતા. તે સમયે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આ પ્રશ્ને રજુઆત કરવામાં આવી હતી. જેને પગલે વર્ષ ૨૦૧૮થી પડતર રહેલી રહેણાંક પ્લોટની ફાળવણીનો માત્ર ગણતરીના દિવસોમાં જ સુખદ ઉકેલ લાવી દેવામાં આવ્યો છે. જી.આઈ.ડી.સી. દ્વારા પારદર્શક ઓનલાઇન ડ્રો સોફ્ટવેરના માધ્યમથી કુલ ૧૭૪ ઉદ્યોગકારો તેમજ નિગમના ૨૬૦ અધિકારી-કર્મચારીઓને રહેણાંક પ્લોટની ફાળવણી કરવામાં આવી છે.

નિગમમાં ઉત્કૃષ્ટ સેવા આપતા ૨૬૨ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની પણ રહેણાંક પ્લોટ ફાળવણી અંગેની રજૂઆત લાંબા સમયથી વિચારણા હેઠળ હતી. આ સમગ્ર પ્રક્રિયાને વેગ આપીને તા.૧૯/૦૮/૨૦૨૬ના રોજ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત મંડળના પ્રતિનિધિઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ઓનલાઈન ડ્રો સોફ્ટવેર દ્વારા અત્યંત પારદર્શક પદ્ધતિથી પ્લોટ ફાળવણી કરવામાં આવી હતી. નિગમની નીતિ મુજબ પાત્રતા ધરાવતા અંકલેશ્વર, ઝઘડિયા અને પાનોલી વસાહતના કુલ ૧૭૪ ઉદ્યોગકારોને તેમની શ્રેણી મુજબ ૧૨૫, ૧૫૦ તથા ૨૦૦ ચોરસ મીટર ક્ષેત્રફળના રહેણાંક પ્લોટ ફાળવવામાં આવ્યા છે. તે ઉપરાંત પાત્રતા ધરાવતા કુલ ૨૬૦ અધિકારીઓ અને કર્મચારીઓને પણ નિયત વિસ્તાર મુજબ રહેણાંક પ્લોટ ફાળવવામાં આવ્યા છે.