કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC) દ્વારા 6 ઓગસ્ટ, 2026ના રોજ ભારતના રાજપત્ર (Gazette of India)માં જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ ગુજરાત માટે"સ્ટેટ લેવલ એક્સપર્ટ એપ્રેઝલ કમિટી (SEAC)"ની રચના કરવામાં આવી છે. પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986 હેઠળ પ્રાપ્ત સત્તાઓનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યા બાદ ગુજરાત માટે નવી રાજ્ય સ્તરીય નિષ્ણાત મૂલ્યાંકન સમિતિની રચના કરી છે.
આ સમિતિમાં એક અધ્યક્ષ, શૈક્ષણિક અને વ્યવસાયિક ક્ષેત્રના વિવિધ નિષ્ણાત સભ્યો તેમજ એક સભ્ય સચિવનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં
અધ્યક્ષ તરીકે GPCB ના પૂર્વ મેમ્બર સેક્રેટરી દેવાંગ મહિપતલાલ ઠાકર (અમદાવાદ) ની નિમણુંક કરવામાં આવી છે. જયારે સભ્ય તરીકે (1 )હિતેન્દ્ર વિઠ્ઠલદાસ મોજીદ્રા (અમદાવાદ) (2) ડૉ. જયેશ રૂપેરેલિયા, પ્રોફેસર અને કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના ભૂતપૂર્વ HOD, નિરમા યુનિવર્સિટી (3) ડૉ. ખ્યાતિ કે. મોદી (વલસાડ) (4) પ્રો. (ડૉ.) નયન કે. જૈન, ભૂતપૂર્વ સિનિયર પ્રોફેસર (અમદાવાદ) તેમજ સભ્ય સચિવ: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના સિનિયર એન્વાયર્નમેન્ટલ એન્જિનિયર / એન્વાયર્નમેન્ટલ એન્જિનિયર (વર્ગ-1)

અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ ભારતના સત્તાવાર રાજપત્રમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થયાની તારીખથી ચાર વર્ષનો રહેશે. સમિતિની મુખ્ય જવાબદારી ખાણકામ સિવાયના તમામ પ્રોજેક્ટના પર્યાવરણીય મૂલ્યાંકન (Appraisal) અથવા પુનઃમૂલ્યાંકન (Re-appraisal) કરવાની રહેશે.
SEAC દ્વારા કરવામાં આવેલી ભલામણો અંતિમ નિર્ણય માટે સ્ટેટ લેવલ એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી (SEIAA) સમક્ષ રજૂ કરવામાં આવશે.
સંમતિ આધારિત નિર્ણય લેવાશે. દરેક કેસમાં સર્વસંમતિ સુધી પહોંચવાની જવાબદારી અધ્યક્ષની રહેશે. જો સર્વસંમતિ ન બને, તો બહુમતીનો અભિપ્રાય માન્ય રહેશે.

સભ્યોએ તેઓ જે કોઈ કન્સલ્ટન્સી સંસ્થા અથવા પ્રોજેક્ટ પ્રોપોનન્ટ સાથે સંકળાયેલા હોય તેની વિગતો જાહેર કરવી પડશે.
કાર્યકાળ દરમિયાન જે પ્રોજેક્ટનો નિર્ણય સત્તાધિકારી દ્વારા લેવામાં આવવાનો હોય અથવા જેનું મૂલ્યાંકન સમિતિ દ્વારા થવાનું હોય, તેવા પ્રોજેક્ટ માટે સભ્યો Environmental Impact Assessment (EIA) અથવા Environment Management Plan (EMP) તૈયાર કરવામાં સહાય કરી શકશે નહીં.
જો કોઈ સભ્યે અગાઉના પાંચ વર્ષ દરમિયાન કોઈ પ્રોજેક્ટ પ્રોપોનન્ટને કન્સલ્ટન્સી આપી હોય અથવા તેના માટે EIA અભ્યાસ કર્યો હોય, તો તે સભ્યે સંબંધિત પ્રોજેક્ટ પ્રોપોનન્ટના પ્રોજેક્ટ અંગેની બેઠક અને ચર્ચાથી પોતાને અલગ રાખવું પડશે.