નેશનલ હાઈવે નંબર ૪૮ પર કેમિકલના ટેન્કરોમાંથી કેમિકલ ચોરી કરવાના કાળા કારોબારનો સુરત ગ્રામ્ય LCB પોલીસે પર્દાફાશ કર્યો છે. કોસંબાની હદમાં આવેલી વિજય પેલેસ હોટલના પાર્કિંગમાં ચાલી રહેલા કેમિકલ ચોરીના ગોરખધંધા પર દરોડો પાડી પોલીસે ટેન્કર ચાલક સહિત ૪ આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે ઘટના સ્થળેથી ટેન્કર, કેમિકલ, ઓમની વાન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૬૩.૭૧,૬૭૦નો માતબર મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પકડાયેલા ઈસમોને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, સુરત હજીરા પોર્ટથી ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ થતા કિંમતી એનિલીન કેમિકલ ભરીને સાયખા GIDC તરફ જઈ રહેલા ટેન્કર (GJ-૧૨-AT-૬૨૪૩)ના ચાલક સોહિલ અબ્દુલભાઇ ડોસાણીએ મુખ્ય સૂત્રધાર હિંમત પૃથ્વીરાજ ખટીક (રહે. પીપોદરા, જિ. સુરત) સાથે મેળાપીપણું રચ્યું હતું. હાઈ વે પર રાત્રિના અંધારાનો લાભ લઇ ટેન્કરમાંથી ૨૦૦ લિટર કેમિકલ ચોરી કરવા બદલ ટેન્કર ચાલકને સ્થળ પર જ રૂપિયા ૧૫,૦૦૦ની રોકડ ચૂકવી દેવામાં આવતી હતી. આ કેમિકલ ચોરીનું નેટવર્ક એટલું ચુસ્ત હતું કે પાર્કિંગ બહાર પોલીસ કે અન્ય કોઈની નજર ન પડે તે માટે હોટલના વોચમેન રજાકખાનને રૂપિયા ૪૦૦ આપી વોચ ગોઠવવામાં આવતી હતી.
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ૨૩.૯૬ મેટ્રિક ટન એનિલીન કેમિકલ કિંમતરૂપિયા ૩૫.૯૪ લાખ, રૂપિયા ૨૫ લાખનું ટેન્કર, રૂપિયા ૧.૫ લાખની મારુતિ ઓમની વાન (GJ-૧૬-BB-૧૬૫૯) અને ચોરી કરેલું કિંમતી કેમિકલ સામેલ છે. સુરત ગ્રામ્ય LCBના પી.આઈ. એન.જી. પાંચાણીની સૂચના મુજબ સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પકડાયેલા અન્ય આરોપીઓમાં ઓમની વાનચાલક જગદીશચંદ્ર ખટીકનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય એક ટેન્કર ચાલક મુકેશ અને સંપર્ક કરાવનાર ઈમરાન નામના બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે મોબાઇલ ફોનના આધારે વધુ તપાસ હાથ ધરી છે.