તાજેતરમાં અંકલેશ્વર એસ્ટેટમાં આવેલ 500 ક્વોટર ખાતે ગલીઓમાં જીઆઇડીસી દ્વારા ઠેર ઠેર એક નોટીસ લગાડવામાં આવી છે. નોટિસ લોખંડની અંગલો ઉપર વ્યવસ્થિત રીતે લાંબા સમય સુધી જળવાઈ રહે તે રીતે લગાડવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે કવાટર્સની સ્થળ ચકાસણી દરમિયાન અત્યંત જર્જરિત તથા જોખમી હાલતમાં હોવાનું ધ્યાને આવેલ છે. ચોમાસાની ઋતુ દરમિયાન આવા જર્જરિત કવાટર્સનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરવો અથવા તેમાં રહેવું જાનમાલ માટે જોખમકારક બની શકે છે.

આથી અંકલેશ્વર જીઆઈડીસી વસાહતના તમામ રહેવાસીઓ, પૂર્વ ફાળવણીધારકો/ભાડુવાતિઓ તેમજ સામાન્ય જનતાને જાહેરમાં જાણ કરવામાં આવે છે કે જર્જરિત અને જોખમી હાલતમાં આવેલ કવાટર્સમાં કોઈપણ વ્યક્તિએ રહેવું, પ્રવેશ કરવો, માલ-સામાનનો સંગ્રહ કરવો અથવા અન્ય કોઈપણ પ્રકારનો ઉપયોગ કરવો નહીં. જો કોઈ વ્યક્તિ આ જાહેર નોટિસ છતાં આવા જર્જરિત કવાટર્સમાં પ્રવેશ કરશે અથવા તેનો ઉપયોગ કરશે અને તેનાથી કોઈપણ પ્રકારની જાનહાનિ, ઈજાઓ અથવા મિલકતને નુકસાન થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વ્યક્તિની પોતાની રહેશે અને તે અંગે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) કોઈપણ રીતે જવાબદાર રહેશે નહીં. જાહેર હિત અને સલામતીને ધ્યાનમાં રાખીને જરૂર જણાય તેવા જર્જરિત કવાટર્સને નિગમ દ્વારા કોઈપણ સમયે સીલ કરવાનું, ખાલી કરાવવાની અથવા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ જાહેર નોટિસને અંતિમ ચેતવણી તરીકે ગણવામાં આવે.
થોડા વર્ષો અગાઉ 500 કવૉટર્સનો એક બ્લોક બેસી ગયો હતો. તેને પછી ઉતારી લેવાયો હતો અને ત્યાં નવા મકાન બનાવવામાં આવ્યા છે.