ગુજરાતમાં ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફ્ટીની જવાબદારી અંગે છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલી વહીવટી ગૂંચવણનો રાજ્ય સરકારે ઉકેલ લાવ્યો છે. હવે, રાજ્યમાં ફેક્ટરીઓ માટે ફાયર એન.ઓ.સી. જારી કરવાની અને ફાયર સેફ્ટીનું નિયમન કરવાની એકમાત્ર સત્તા શહેરી વિકાસ વિભાગને સોંપવામાં આવી છે. રાજયમાં હાલમાં અંદાજે ૫૧ હજારથી વધુ નોંધાયેલી ફેક્ટરીઓ છે. આ નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા કે તેની બહાર આવેલી તમામ ફેક્ટરીઓ પર લાગુ પડશે. અત્યાર સુધી શહેરી વિકાસ વિભાગ અને શ્રમ વિભાગ વચ્ચે ફાયર સેફ્ટીના અમલ અંગે જવાબદારીઓ સ્પષ્ટ ન હોવાથી ફેક્ટરીઓમાં વર્ષ ૨૦૨૧થી ફાયર સેફ્ટી અમલીકરણ અને અનુપાલનમાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી. હવે, શહેરી વિકાસ વિભાગ અને શ્રમ વિભાગની જવાબદારી નક્કી થયા બાદ ફાયર એન.ઓ.સી. સહિતની કામગીરી માટેની જવાબદારીઓ નક્કી થઈ ગઈ છે.
નવી વ્યવસ્થા હેઠળ શહેરી વિકાસ વિભાગ તમામ ઔદ્યોગિક એકમોમાં ફરજિયાત અગ્નિશામક વ્યવસ્થાઓ સ્થાપિત થાય, તેનું નિરીક્ષણ કરે અને માન્ય ફાયર એન.ઓ.સી, જારી કરી તેની જવાબદારી સંભાળશે. નોંધનીય છે કે, આ નિર્ણય ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં લેવાયો હતો. આગામી દિવસોમાં આ નવી વ્યવસ્થા અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવશે. ખાસ કરીને જવાબદારીઓનું પણ વિભાજન કરવામાં આવ્યું છે. શ્રમ વિભાગ પાસે હવે કાર્યસ્થળની સલામતીની દેખરેખ કામ રહેશે. આ ઉપરાંત અકસ્માત નિવારણ, ફેક્ટરી સલામતી કાયદાના પાલનની દેખરેખ, ઔદ્યોગિક સલામતી સંબંધિત અન્ય કામગીરી પણ કરવાની રહેશે. તો શહેરી વિકાસ વિભાગ પાસે ફાયર સેફ્ટી સંબંધિત તમામ ફરજિયાત નિયમો બનાવવાની જવાબદારી રહેશે.
વર્ષ ૨૦૨૧માં શહેરી વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સરકારી ઠરાવ બાદ ફેક્ટરીઓમાં ફાયર સેફટીની જવાબદારી શ્રમ વિભાગને સોંપવામાં આવી હતી. જોકે, શ્રમ વિભાગ પાસે વિશેષ અગ્નિશામક સાધનો, આધુનિક મશીનરી અને પ્રશિક્ષિત કર્મચારીઓનો અભાવ હોવાથી તે ફાયર સેફટી સિસ્ટમનું અસરકારક નિરીક્ષણ અને નિયમોનો અમલ કરાવી શકતું નહોતું, તેની કામગીરી મુખ્યત્વે કાર્યસ્થળની સલામતી અને અકસ્માત નિવારણ પુરતી જ મર્યાદિત રહી હતી. પરિણામે ફેક્ટરીઓમાં ફાયર એન.ઓ.સી જારી કરવાની પ્રક્રિયા પણ અસરગ્રસ્ત બની હતી.
રાજ્ય સરકારે ફાયર સેફટી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા શહેરી વિકાસ વિભાગ હેઠળ વિશેષ ઔદ્યોગિક ફાયર સેફટી વિંગ પણ સ્થાપવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત તમામ મહાનગરપાલિકાઓમાં ઔઘોગિક અને બિન-ઔધોગિક વિસ્તારો માટે અલગ ફાયર સર્વિસ વિભાગોની રચના કરાશે, જેમાં વિશેષ તાલીમપ્રાપ્ત કર્મચારીઓ, આધુનિક અગ્નિશામક સાધનો અને જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્ય સરકાર આ વિસ્તરણ માટે વધારાની નાણાકીય સહાય પણ આપશે.