અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનની વર્ષ 2026-27 માટેના મેનેજીંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણી યોજાઈ ગઈ. તેમાં ખુબ જોરશોરથી ચૂંટણી પ્રચાર થયો. આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા. આર્ટીફિસિઅલ ઇન્ટેલીઝન્ટ્સ (AI ) ની મદદથી પોસ્ટરો બનાવીને સોસીઅલ મીડિયા પર આક્રમકઃ પ્રહારો થયા. ઘણી અજાણી વાતો બહાર આવી. લોકોએ વિકાસ પેનલ ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકીને તેમને આગળ વધવા માટે લીલી ઝંડી આપી.
એક વખત હતો કે સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર, કડવા પાટીદાર, મહેસાણા જિલ્લા, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ ના સભ્યો તેમજ બીજા રાજ્યના સમૂહોનો એસ્ટેટમાં દબદબો હતો. લોકો મોભીઓના નિર્ણયને માથે ચડાવીને વોટિંગ કરતા હતા. પરિણામો પણ તે પ્રમાણે આવતા હતા. ચૂંટણીમાં ઉમેદવાર ઉભા રાખવાની પેટર્ન પણ તે પ્રમાણે રહેતી. જેના જેટલા સભ્યો તે પ્રમાણે ઉમેદવારો ઉભા રાખવામાં આવતા. ધણી વખત આ બાબતમાં ખેંચતાણ થતી અને રિસામણાં મનામણાં થતા. પરંતુ આ થિયરી પાછલા કેટલાક વર્ષોમાં ખોટી સાબિત થઇ રહી છે.
લોકો બદલાવ માંગતા હતા. તેમને અનુભવે સમજાયું કે પેનલ બનાવવી આસાન કામ નથી. પેનલ વગર બદલાવ શક્ય નથી. છેલ્લા દસ વર્ષથી પેનલ વગર એકહથ્થુ શાસન ચાલી રહ્યું છે. સામે કોઈ પેનલ ના બનાવે તેની પૂરતી કાળજી લેવાઈ રહી છે. તે માટેના બધા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખુબ પ્રયાસો પછી માંડ માંડ પેનલ બની છે. જો બદલાવ કરવાની આ તક ચુકી ગયા તો બીજી તક ક્યારે આવે તે અંદાજ લગાવવો અને ત્યાં સુધી ધીરજ રાખવી શક્ય નથી. આથી આવેલી તક ઉપાડી લો બદલાવ લાવી દો. બાકી, સમાજના આગેવાનો આપણે સૌરાષ્ટ્રના આપણે મહેસાણાના એવી જં બુમો પાડતા રહ્યા. પરંતુ મતદારોના મગજમાં બીજું કંઈક ચાલતું હતું.

ચૂંટણી દરમ્યાન ક્યાં ક્યાં પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા તે રસપ્રદ છે. AWMA ચૂંટણીનો મુખ્ય મુદ્દો રહ્યો. સહયોગને તેની ઉપર બહુ આશા હતી. પરંતુ તે ઠગારી નીવડી. આ પ્લાન્ટ ઉદ્યોગો માટેનો પ્લાન્ટ છે. નો પ્રોફીટ નો લોસના સિદ્ધાત પાર તે ચાલશે. તે ઉદ્યોગકારોના મનમાં ઠસાવવામાં તેઓ નિષ્ફળ ગયા.
સોલિડ વેસ્ટ ડમ્પીંગ સાઈટનો પ્રશ્ન જોરશોરથી ઉઠાવવામાં આવ્યો. બંને પક્ષોએ ભાવની બાબતમાં ખુલાસા કર્યા. વરસાદમાં કચરો ભીનો થાય એટલે તેનું વજન વધે તે સમીકરણ જાણવા મળ્યું. NIVARAN એપ કેવી રીતે કાર્ય કરશે તેનો ટેસ્ટ લેવાયો. કચરો ફટાફટ સાફ કરવા પ્રયાસ કરાયો.
પ્લોટ એલોટમેન્ટ બાબતમાં પણ ઘણા આક્ષેપો થયા. GIDC ના કર્મચારીઓને 110 પ્લોટ એલોટ થયા ઉદ્યોગકારોને કેમ નહીં. જેમને પ્લોટ એલોટમેન્ટ બાકી હતું તેમને અંજપો જરૂર થયો. તેનો જવાબ આપવા પ્રયાસ કરાયો. તેનાથી સંતોષ થયો કે નહિ તે ખબર નથી.
અંકલેશ્વર જીઆઇડીસી 2024 માં 47 ટકા ગ્રીન બેલ્ટ હાંસલ કરી ચુક્યો હતો. આ વાત ખરેખર મારા ગળે ઉતરતી નથી. ઉદ્યોગપતિઓના ગળે ઉતરી કે નહિ તે મને ખબર નથી. વિશાલ જગ્યાઓમાં પ્લાન્ટ આવેલ છે. રોડ રસ્તા આવેલ છે. રહેણાંક વિસ્તાર આવેલ છે. કેટલીક કંપનીઓમાં તો ડ્રમ મુકવાની જગ્યા નથી. ઝાડ ઉગાડવાનો તો પ્રશ્ન જ નથી. 47 ટકા ગ્રીન બેલ્ટ કેવી રીતે બન્યો તે પ્રશ્ન છે. એસ્ટેટમાં જે જગ્યા ગ્રીન બેલ્ટ માટે ફાળવી હતી તે જગ્યા ઉપર ઇમારતો ઉભી કરાઈ છે. 40 ટકા ગ્રીન બેલ્ટની શરત કેમ લદાઈ?
કામદારો માટે રાહત દરનું ભોજનાલય તૈયાર છે છતાં ધૂળ ખાઈ રહ્યું છે. પ્રશ્ન ઉઠાવતા કામમાં ઝડપ આવી છે. ટેન્ડર મંગાવ્યા છે. વિરોધપક્ષની ભૂમિકા બરાબર ભજવી હોય તેવો આભાસ થયો. હવે ક્યારે કાર્યરત થાય છે અને શું અડચણો આવે છે તે જોવું રહ્યું.
ઉતાવળમાં ટ્રાન્સપોર્ટનગરનું ઉદઘાટન કરવામાં આવ્યું. કેટલોક ભાગ કાર્યરત કર્યો. કેટલોક બાકી છે. વિકાસ દ્વારા કામનો જસ ખાટવા પ્રયાસ કરાયો. કેટલી સફળતા મળી રામ જાણે.
રહેણાંક વિસ્તારના તળાવની બાબતમાં પણ ખુબ રાજકારણ રમાયું. તેના ખાતમુહ્રતને લઈને ખુબ રાજકારણ રમાયું. કમ સે કમ તળાવની જમીનનો બીજો ઉપયોગ કરવાની જે ખારી દાનત હતી. તેની ઉપર પૂર્ણ વિરામ મુકાયું. લોકોને તળાવ વિષે ઘણું બધું જાણવા મળ્યું. તળાવની સાથે ફિલ્ટર પ્લાન્ટ, બગીચો અને ખાણીપીણી માટે પણ જગ્યા બનશે. અત્યારે નકશો પાસ કરાવવાની અંતિમ પ્રક્રિયા ચાલી રહી છે. જો કે પાણી ક્યાંથી લાવવું તે બાબતમાં પ્રશ્ન ગૂંચવી નાખવાના પ્રયાસો થઇ રહ્યા છે.
શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખુબ ઝડપથી ભૂમિ પૂજન કરી નાખવામાં આવ્યું. તે બાબતને લઈને વિવાદ થયો. ભુમીપુજન કર્યું છે એટલે અર્બન હેલ્થ સેન્ટર બનશે અને લોકોને લાભ મળશે તેવી આશા રાખીએ. બાકી, 80,000 ની વસ્તી ધરાવતા વિસ્તારને એટલા વર્ષો પછી સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મળે તે નાલેશી જ છે. એસ્ટેટમાં કોઈ સરકારી માધ્યમિક સ્કૂલ નથી. તે વિષે પણ વિચારવું રહ્યું.
વૃક્ષોને રંગરોગાન કરી શુશોભિત કરવાના પ્રયાસ સામે પણ પ્રશ્નો કરવામાં આવ્યા. ભારત સરકારની ગાઇડલાઇન મુજબ વૃક્ષના થડના તળિયા ભાગે જમીનથી 1 થી 1.5 ફૂટ ઊંચાઈ સુધી જ રંગ /ચૂનો કરવો. તો પછી નિયમનો ભંગ કેમ કરાયો. જો કે આ કામના ઘણા લોકોએ વખાણ કર્યા હતા અને બીજી જગ્યાએ તેનું અનુકરણ કરવામાં આવ્યું હતું.
એસ્ટેટમાં અંડર ગ્રાઉન્ડ કેબલિંગને લઈને થયેલ કાર્યની બાબતમાં પ્રશ્ન કરવામાં આવ્યા. લોકોને જાણવા મળ્યું કે કામ કેટલે આવ્યું છે.
તળાવને કિનારે બનનાર અંતિમધામ બાબતમાં પ્રશ્નો થયા. તેનું કામ આગળ કેમ નથી વધતું તે બાબતમાં પ્રશ્નો થયા. બાઉન્ડરી વોલ અને સુશોભનનું કામ ચાલ્યા કરશે પરંતુ પ્રજા જનહિત માટે કેમ ખુલ્લું નથી મુકાતું .
અંકલેશ્વર જીઆઇડીસી વસાહત માટે પીવાના પાણીની વધારાની ફાળવણી સાથે 5 વર્ષનું નવીનીકરણ મંજુર. પરંતુ રહેણાંક વિસ્તારના લોકોને તેનો લાભ ક્યારે મળશે? જેમાં લાભ ખાટવા માટે પ્રયાસ કરાયો.
આગામી સમયમાં વિકાસ દ્વારા કેવી રીતે કામગીરી થાય છે અને લોકોનો વિશ્વાસ જીતાય છે તેની ઉપર સૌનું ધ્યાન રહેશે.