અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનની વર્ષ 2026-27 ના મેનેજીંગ કમિટીના સભ્યોની ચૂંટણી આવતી કાલે છે. ચૂંટણી એ લોકશાહીનો મહાપર્વ છે. ચૂંટાઈને આવેલા ઉમેદવારોમાં એક અનેરું ખમીર હોય છે. લોકોએ પોતાને પસંદ કર્યો છે તેનો આનંદ હોય છે. લોકોએ તેમનામાં મુકેલ વિશ્વાસને સાર્થક કરી બતાવવાની જવાબદારી હોય છે.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં જયારે પૂર્ણ પેનલ બને અને ચૂંટણી થાય તો જ લોકોના મતનું સાચું મૂલ્યાંકન થાય છે. ખંડિત પેનલ હોય તો મતદારોએ આપેલ મતનું પૂર્ણ મૂલ્યાંકન પ્રતિબિબિત થતું નથી. કારણકે તેમાં NATO ના મતની સુવિધા નથી.

આ વખતે બંને પેનલો પૂર્ણ છે. બંનેના 10-10 ઉમેદવારો મેદાને છે. પરિણામ જે પણ આવે તે મતદારોના મતને સચોટ રીતે પ્રતિબિંબિત કરે છે. પહેલા જયારે પૂર્ણ પેનલને અભાવે કોઈ ચૂંટણીમાં ઉભા રહેવાની હિંમત નોહ્તું કરતુ. કદાચ કોઈ ખંડિત પેનલ સાથે એકલ દોકલ ઉભા રહેવાની હિંમત કરતુ તો તેની હાર નિશ્ચિત રહેતી. આવા અનેક ઉમેદવારો છે જેઓ અગાઉ ખંડિત પેનલ સાથે વારંવાર ઉભા રહ્યા હોય અને હાર્યા હોય, પરંતુ જયારે તેઓ કોઈ પેનલમાં ઉભા રહ્યા હોય ત્યારે જંગી બહુમતી સાથે જીત્યા હોય. પ્રમુખ પણ બન્યા હોય અને સેક્રેટરી પણ બન્યા હોય. એટલેકે કાબેલિયત તો હતી પરંતુ એકલ દોકલ હોવાથી ગજ વાગતો ન હતો.
આ વખતે બધા મળીને 50 જેટલા ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા હતા. મતલબ કે અત્યારસુધી બધાએ પોતાની ઈચ્છા શક્તિને દબાવી રાખવી પડતી હતી. ભલે હારી જવાય, પરંતુ પોતાએ પ્રયાસ કર્યો હતો. પરંતુ લોકોએ તક ના આપી તેમ મન માનવી શકાય છે. જયારે ચૂંટણી વગર જે ઉમેદવારો બિનહરીફ રીતે ચૂંટાતા આવતા હતા તે લોકચાહના ધરાવે છે કે નહિ તેની કસોટીમાંથી પસાર થતા ન હતા.
અત્યારે ઉભા રહેલ 20 ઉમેદવારોમાંથી એકપણ પોતાની જીત પ્રત્યે આશ્વત નથી. ઉપરથી જેઓ પોતાને મોટા નેતા માને છે તેમને સૌથી વધુ ટેંશન છે, ના કરે નારાયણ ને લોકોનો મૂડ બદલાયો તો આપણે ઉઘાડા પડી જઈશું અને અમે લોકચાહના ધરાવનાર નેતા છીએ ની છાપ ભૂંસાઈ જશે. આપણું વજન ઓછું થઇ જશે. આ જ આ ચૂંટણીની મઝા છે. જે નવા છે તેમને કઈ ઘુમાવવાનું નથી. તેમના ફોટા હોર્ડિંગમાં જાહેર સ્થળો પર મુકાયા.. તેઓ ભવિષ્યના નેતા છે તેની જાણ એસ્ટેટને થઇ. તેટલું તેમને સંતોષ આપવા માટે પૂરતું છે.
લોકશાહીમાં મજબૂત વિરોધ પક્ષ હોવો જરૂરી છે. આ સૂત્ર મતદારોના મનમાં ઉતરી ગયું. તેમને વિરોધ પક્ષને એટલો મજબૂત કરી દીધો કે તે સત્તામાં આવી ગયો. આ એટલું બધું ઝડપી બની ગયું કે વિરોધ પક્ષ અને સત્તા પક્ષ બંને માટે આશ્ચર્ય ઉપજાવનાર બની ગયું. આ ચૂંટણી બંને પક્ષો માટે "અભી નહિ તો કભી નહીં" જેવી રીતે લડાઈ રહી છે.
પરિણામ જે આવે તે, પરંતુ આગામી પાંચ વર્ષ પૂર્ણ પેનલો સાથે ચૂંટણી લડાશે તે વાત નક્કી છે. તેનો સૌથી મોટો લાભ મતદારોને થશે, તેમને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો મોકો મળશે. એસ્ટેટમાં તેમનો વિશિષ્ટ દરજ્જો છે તેવો તેમને આંતરિક અનુભવ થશે. આ દરજ્જો કેવી રીતે જાળવી રાખવો તે તેની કોઠાસૂઝ પાર આધારિત છે.
1282 મતદારો પાછળ થયેલ ખર્ચ, વપરાયેલ માનવ કલાકોનો હિસાબ કરવામાં આવે તો રસપ્રદ આંકડાઓ બહાર આવી શકે છે.