UPL ગ્રૂપના અશોક પંજવાણીને પ્રોડક્ટિવિટી એડવોકેટ્સ કેટેગરી હેઠળ “એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન (APO) નેશનલ એવોર્ડ 2025” એનાયત કરવામાં આવ્યો છે. સ્થિર વિકાસ (Sustainability), વેસ્ટ મેનેજમેન્ટ તથા અન્ય વિવિધ પહેલોમાં તેમના સમર્પિત પ્રયાસ અને યોગદાનને માન્યતા આપતા APO એવોર્ડ સમિતિએ અનેક પ્રતિષ્ઠિત ઉમેદવારોમાંથી તેમની પસંદગી કરી છે. જે અંકલેશ્વર માટે ગૌરવની બાબત છે.
એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન (APO) એ 1961માં સ્થાપિત એક આંતરસરકારી સંસ્થા છે, જે પરસ્પર સહકાર દ્વારા એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ઉત્પાદકતા વધારવાના હેતુથી કાર્ય કરે છે. APOના 21 સભ્ય દેશો છે અને તેનું મુખ્ય મથક ટોક્યો ખાતે આવેલું છે.
આ એવોર્ડ સમારોહનું આયોજન 21 મે 2026ના રોજ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રના કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ મિનીસ્ટર પિયુષ ગોયેલના હસ્તે આપવામાં આવ્યો હતો.
એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન (APO) નેશનલ એવોર્ડ એક પ્રતિષ્ઠિત વ્યક્તિગત સન્માન છે, જે દર વર્ષે APO દ્વારા એવા પ્રતિભાશાળી વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે, જેઓએ પોતાની સંસ્થા તેમજ અન્ય ક્ષેત્રોમાં ઉત્પાદકતા વધારવામાં ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવી હોય.
અશોક પંજવાણીની પસંદગી APO નેશનલ એવોર્ડ ફોર પ્રોડક્ટિવિટી એડવોકેટ્સ માટે કરવામાં આવી છે. ઉત્પાદકતા સુધારણા પહેલોને આગળ વધારવા અને પ્રોત્સાહન આપવા માટેની તેમની નીતિગત દૃષ્ટિ, વ્યૂહાત્મક વિચારસરણી, નેતૃત્વ અને મેનેજમેન્ટ ક્ષેત્રે આપેલા મહત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપવામાં આવી છે, જેના પરિણામે રાષ્ટ્રીય ઉત્પાદકતામાં સ્થાયી અને ગુણાત્મક વધારો થયો છે. આ એવોર્ડ એવા વિચારશીલ નેતાઓ, નીતિનિર્માતાઓ અને વ્યૂહરચનાકારોને માન્યતા આપે છે, જેઓ ઉચ્ચ સ્તરની ઉત્પાદકતા એજન્ડાને આગળ ધપાવે છે.