અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક આવેલ અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસીએશનના 10 MLD CETP પ્લાન્ટને CC &A ની મંજૂરી મળી ગઈ. ખુબ લાંબા ઇન્તજાર પછી, સંઘર્ષ કર્યા પછી CC &A મળતા તેનો આનંદ અલગ જ હોય છે.
પ્લાન્ટને મંજૂરી મળતા હવે પ્લાન્ટ કાયદાકીય રાતે કાર્યરત કરી શકાશે. મળતી માહિતી મુજબ CC &A ની સાથે કેટલીક જવાબદારીઓ પણ આપવામાં આવી છે. તેને સતત નજર સમક્ષ રાખવાની છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગો માટે અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન નામે પ્લોટ નં યુ-૫, જીઆઇડીસી અંકલેશ્વર ખાતે ૧૦ MLD ક્ષમતા ધરાવતા કોમન એફલુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) ની સ્થાપના કરેલ છે.
અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન એ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા પ્રમોટ કરાયેલી તેમજ કંપનીઝ એક્ટ, ૨૦૧૩ ના સેક્શન-૮ અંતર્ગત રજિસ્ટર્ડ કંપની છે જે 'નહીં નફો નહીં નુકસાન' ના સિદ્ધાંત ઉપર કાર્યરત છે. તે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગો માટે સામાન્ય પર્યાવરણીય માળખાકીય સુવિધાઓ વિકસાવી તેનું સંચાલન કરશે. આ CETP પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વર્ષ ૨૦૧૯ માં ગુજરાત સરકારના તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
AWMA દ્વારા બાયોલોજિકલ પેટ્રોલિયમ કલિનિંગ લિમિટેડ-ઇઝરાયેલની પેટન્ટેડ અદ્યતન ઓટોમેટેડ કેમોસ્ટેટ બાયોરીએક્ટર ટેકનોલોજી વડે ૧૦ એમએલડી CETP સ્થાપિત કર્યું છે. આ CETP માત્ર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના MSME ઉદ્યોગોના વેસ્ટવોટરના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે જ છે. High COD, High TDS અને એમોનિકલ નાઇટ્રોજન ધરાવતા વેસ્ટવોટરની બાયોલોજિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવશે. શુદ્ધ થયેલ વેસ્ટવોટરને નર્મદા ક્લીન ટેક (એફઈટીપી)ના ઇનલેટ નોર્મ્સ મુજબ પાઇપલાઇન મારફતે એફઈટીપીમાં નિકાલ કરવામાં આવશે અને ત્યાંથી કંટીયાજાળ ખાતે આવેલ બસ્ટર પંપીંગ સ્ટેશન દ્વારા અરબી સમુદ્રમાં ૧૦ કિમી અંદર ડીફયુઝર દ્વારા છોડવામાં આવશે.

કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અનેક ફાયદા છે. CETP ના સંચાલન માટે વ્યાવસાયિક અને પ્રશિક્ષિત સ્ટાફ ઉપલબ્ધ કરાવી શકાય છે, જે વ્યક્તિગત પ્લાન્ટના કિસ્સામાં શક્ય નથી. શુદ્ધ કરેલ ગંદા પાણી અને કેમિકલ કચરાનો નિકાલ વધુ વ્યવસ્થિત બનશે. પ્રદૂષણ નિયંત્રણની જરૂરિયાત સુનિશ્ચિત કરવા માટે વિવિધ નિયમનકારી સત્તાવાળાઓ માટે વધુ વ્યવસ્થિત અને દેખરેખ સરળ બનશે. નાના અને મધ્યમ ઉદ્યોગોને તેમના ગંદા પાણીને અલગથી ટ્રીટ કરવાની જરૂર નથી. ગંદા પાણીની વ્યક્તિગત ટ્રીટમેન્ટ કરતા સામાન્ય ટ્રીટમેન્ટ સસ્તી હોય છે. તેથી, ઔદ્યોગિક એકમો માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટના મૂડી અને સંચાલન ખર્ચમાં બચત થશે. ગંદા પાણીનાં શુદ્ધિકરણ માટે મર્યાદિત જગ્યા ધરાવતા નાના ઉદ્યોગોને લાભ મળશે.
આ પ્લાન્ટ કાર્યરત થતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યો (MSMEs) ના આશરે રૂપિયા ૭૦૦ કરોડની બચત થશે તેવી ગણતરી કરાય છે. આ ઉપરાંત BPC-ઇઝરાયલ ટેકનોલોજી નો ઉપયોગ કરાયો છે. ઓછા પ્રદૂષિત શુદ્ધિકરણ ખર્ચને કારણે ઉત્પાદનનો ખર્ચ ઘટશે.
ભવિષ્યમાં વ્યક્તિગત MSMEs દ્વારા સ્થાપિત ઇનહાઉસ MEE, ઇનસીનરેટર, સ્પ્રે ડ્રાયર હટાવી તેઓ CETP માં સીધું એફ્લુઅન્ટ આપશે જેને લઈને વાયુ પ્રદૂષણ ઘટશે. જેથી આસપાસના રહેણાંક વિસ્તારના લોકોને પ્રમાણમાં વધુ શુદ્ધ હવા નસીબ થશે. તેવી આશા રખાઈ રહી છે.