ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ જોખમી કચરા પ્રી-પ્રોસેસિંગ સુવિધાઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેતા બેંક ગેરંટી (BG) જમા કરાવવાનું ફરજિયાત બનાવ્યું છે. આ પગલું પર્યાવરણ સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ અણધારી પરિસ્થિતિઓમાં નાણાકીય સુરક્ષા ઉપલબ્ધ રહે તે હેતુસર લેવામાં આવ્યું છે.
Hazardous and Other Wastes (Management and Transboundary Movement) Rules, 2016 હેઠળ કાર્યરત આ સુવિધાઓ જોખમી કચરાના પ્રોસેસિંગ અને કો-પ્રોસેસિંગ માટે જવાબદાર છે. પરંતુ છેલ્લા સમયમાં કેટલીક જગ્યાએ આગ લાગવી, કામગીરી બંધ થવી અથવા કચરો છોડીને યુનિટ બંધ થઈ જવા જેવી ઘટનાઓ સામે આવી છે, જેના કારણે પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે જોખમ ઊભું થયું છે.
આવી પરિસ્થિતિમાં અટવાયેલા જોખમી કચરાના સલામત સંભાળ, પરિવહન અને નિકાલ માટે બોર્ડને હસ્તક્ષેપ કરવાની જરૂર પડે છે. આથી, તાત્કાલિક નાણાકીય સ્રોત ઉપલબ્ધ રહે તે માટે બેંક ગેરંટીને પૂર્વ સાવચેતી તરીકે ફરજિયાત બનાવવામાં આવી છે.
GPCB એ સ્પષ્ટ કર્યું છે કે આ બેંક ગેરંટી દંડ નથી, પરંતુ જોખમ ઘટાડવા માટેનું સાધન છે.
ઓક્યુપાયરની જવાબદારી “Polluter Pays Principle” અને લાગુ કાયદાઓ મુજબ યથાવત્ રહેશે.
આ પરિપત્ર સ્વતંત્ર તેમજ સંકલિત બંને પ્રકારની જોખમી કચરા પ્રી-પ્રોસેસિંગ સુવિધાઓ પર લાગુ પડશે. સાથે જ, સુવિધાઓમાં સંગ્રહિત જોખમી કચરાની માત્રા સાત દિવસની પ્રોસેસિંગ ક્ષમતાથી વધુ ન હોવી જોઈએ, તેવી મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે.
નવી સુવિધાઓએ Consent and Authorization (CCA) મેળવતી વખતે બેંક ગેરંટી જમા કરાવવી પડશે, જ્યારે હાલ કાર્યરત યુનિટ્સને પરિપત્ર જાહેર થયાની તારીખથી ત્રણ મહિનાની અંદર બેંક ગેરંટી જમા કરાવવી ફરજિયાત રહેશે.
બેંક ગેરંટીની માન્યતા CCA ના સમયગાળાને આવરી લેશે અને ત્યારબાદ વધારાના 12 મહિનાનો ક્લેમ પિરિયડ રહેશે. સમયસર નવીનીકરણ ન કરાય તો નિયમનાત્મક કાર્યવાહી થઈ શકે છે.

બોર્ડે વધુમાં જણાવ્યું છે કે જો ઓક્યુપાયર જોખમી કચરાના સંભાળ અથવા નિકાલ માટે જરૂરી પગલાં લેવામાં નિષ્ફળ જાય તો જ BG નો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત, બેંક ગેરંટી નો ઉપયોગ થવાથી અન્ય કાનૂની જવાબદારીઓમાંથી મુક્તિ મળશે નહીં.
આ પરિપત્ર હેઠળની બેંક ગેરંટી, હાલ અમલમાં રહેલી GPCB ની અન્ય non-compliance સંબંધિત બેંક ગેરંટી થી અલગ અને વધારાની રહેશે.
GPCB એ જણાવ્યું છે કે આ નિર્ણય Water Act 1974, Air Act 1981, Environment Protection Act 1986 તથા Hazardous Waste Rules 2016 હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને લેવામાં આવ્યો છે.
બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે આ નિયમો સિવાય પણ જરૂરી જણાય ત્યારે અન્ય કાનૂની અને નિયમનાત્મક પગલાં લેવામાં આવી શકશે. બેંક ગેરંટી સંબંધિત અંતિમ નિર્ણય અધ્યક્ષશ્રીનો રહેશે.
પર્યાવરણ સુરક્ષા અને જોખમ ઘટાડવા માટે પૂર્વ સાવચેતીરૂપ નાણાકીય વ્યવસ્થા અમલમાં