અંકલેશ્વર એસ્ટેટમાં ઉદ્યોગકારો દ્વારા એફ્લુએન્ટને ટ્રીટ કરવાનો 10 MLD નો પ્રોજેક્ટ સ્થાપવામાં આવ્યો છે. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના નેજા હેઠળ આ પ્રોજેક્ટ સ્થાપવામાં આવ્યો છે. પ્લાન્ટની CC &A માટેની મંજૂરીમાં વિલંબ બાબતે ઉદ્યોગકારોએ ગુજરાત પ્રદૂપણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) સામે અસંતોષ વ્યક્ત કરતાં અનિશ્ચિત ઉપવાસ કરવાની ચેતવણી આપી છે. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રતિનિધિ રમેશ ગાબાણીએ મામલતદારને અરજી આપી ૨૩ માર્ચથી ઉપવાસ માટે પરવાનગી માંગી છે.
અરજી મુજબ એસોસિએશન દ્વારા આધુનિક તકનીકોથી સજ્જ સીઈટીપી પ્રોજેક્ટ માટે સીસીએ મંજૂરી મેળવવા છેલ્લા એક વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે. છતાં પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પરવાનગી આપવા બાબતે લાંબા સમયથી વિલંબ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અત્રે નોંધવું ઘટે કે પ્રદૂપણ નિયંત્રણ કાયદા હેઠળ એક વખતની પરવાનગી છે. જે ઔધોગિક એકમોને એક જ વારમાં સંચાલન માટે સંમતિ, જોખમી કચરા માટે અધિકૃતતા અને ઇ-વેસ્ટ અધિકૃતતા મેળવવા માટે પાત્ર બનાવે છે. ઉદ્યોગકારોનો દાવો છે કે આ વિલંબના કારણે એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે ઊભા કરાયેલા પ્રોજેક્ટ પર અસર પડી રહી છે. તો બીજી તરફ પર્યાવરણીય અનુપાલન માટેની વ્યવસ્થાઓ પણ અટવાઈ રહી છે.

ਦਸ પરિસ્થિતિને અંકલેશ્વર ઉદ્યોગમંડળના પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણીએ જણાવ્યું કે, જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ તથા તેમના સહભાગીઓ ૨૩ માર્ચ, ૨૦૨૬ના રોજ સવારે ૧૦ વાગ્યાથી ગાંધીનગરના સેક્ટર-૧૦એ સ્થિત જીપીસીબી હેડ ઓફિસ, પર્યાવરણ ભવનના મુખ્ય દરવાજા પાસે અનિશ્ચિત ઉપવાસ પર બેસશે. અરજીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ઉપવાસ સંપૂર્ણપણે અહિંસક રહેશે અને ટ્રાફિક કે જાહેર વ્યવસ્થાને કોઈ અવરોધ ન થાય તેની કાળજી લેવામાં આવશે. સાથે જ સ્વચ્છતા જાળવવા તથા પોલીસના તમામ નિર્દેશોનું પાલન કરવાની ખાતરી પણ આપવામાં આવી છે.
ઉદ્યોગકારોના આક્ષેપોને લઈને હવે જિલ્લા પ્રશાસન તેમજ જીપીસીબી શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.