અંકલેશ્વર જીઆઇડીસી અને નોટીફાઈડ રહેણાંક વિસ્તાર તેમજ અંકલેશ્વર શહેરને પાણી પુરુ પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલને 90ના બદલે હવે માત્ર 35 દિવસ માટે જ બંધ રાખવામાં આવશે.
તારીખ 29 મી ડિસેમ્બર સાંજથી કેનાલમાં ઉકાઈ ડેમમાંથી આપવામાં આવતો પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવશે. કેનાલ પર આવેલાં એકવા ડક અને સાયફન જર્જરિત બની જતાં તેના સમારકામ અને નવીનીકરણ માટે 90 દિવસનું શટડાઉન લેવાનું હતું પણ દિવાળી પછી થયેલા માવઠામાં ખેડૂતોનો ડાંગરનો પાક નષ્ટ થતાં તેમને ત્રીજી વખત પાક લેવાની ફરજ પડી હોવાથી સિંચાઈ માટે પાણીની જરૂરીયાત ઉભી થઇ છે. રાજય સરકારે ઉકાઈ જમણા કાંઠાની કેનાલને માત્ર 35 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રવિ પાકોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે ફેબ્રુઆરી મહિનાથી કેનાલમાં ફરી પાણી છોડવાની શરૂઆત કરી દેવામાં આવશે. અગાઉ 26મી ડિસેમ્બરથી કેનાલ બંધ કરવાની હતી પરંતુ ખેડૂતોની માગણીને ધ્યાને રાખીને હવે સોમવાર એટલે કે 29મીથી કેનાલને 35 દિવસ માટે બંધ કરાશે. કેનાલ બંધ રાખી રીપેરિંગ અને સફાઈ સહિતની કામગીરી કરવામાં આવશે. 35 દિવસ બાદ એક મહિના સુધી કેનાલમાં 3550 ક્યુસેક પાણી છોડવામાં આવશે. દિવાળી બાદ થયેલાં માવઠાના કારણે ખેડૂતોનો ડાંગરનો પાક નષ્ટ પામ્યો છે.

અંક્લેશ્વર નોટીફાઇડના રહેણાંક વિસ્તારોને પણ ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી પુરૂ પાડવામાં આવે છે. હાલ જીઆઇડીસી તળાવમાં પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. સોમવારથી કેનાલ ૩૬ દિવસ માટે બંધ કરવામાં આવશે ત્યારે તળાવમાં સંગ્રહિત જથ્થામાંથી લોકોને પીવાનું પાણી પુરૂ પડાશે. નોટીફાઈડ એરિયામાં સવારે 6 થી 9 વાગ્યા સુધી પાણી આપવામાં આવશે. જયારે ઉદ્યોગોને સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી પાણી મળી રહેશે. અંકલેશ્વર શહેરને ગામ તળાવમાંથી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવશે અને જરૂર પડયે બોર ચાલુ કરવામાં આવશે. હવે ખેડૂતોને ઉનાળુ ડાંગરની ખેતી કરવાની ફરજ પડી છે. તેમને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે ફેબ્રુઆરીથી કેનાલમાં પાણી છોડવાનું શરૂ કરી દેવામાં આવશે.