નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ચેરમેન બાબુભાઇ પટેલને ઇન્ડીયન સોસાયટી ઓફ એનાલિટિકલ સાયન્ટીસ્ટ, મુંબઈ દ્વારા ISAS આત્મનિર્ભરતા એવાર્ડ -2025 માટે પસંદગી કરવામાં આવી છે. તેમને આ એવોર્ડ ભારતીય વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસમાં અનન્ય ફાળો આપવા બદલ આપવામાં આવશે.જે નંદેસરી, વડોદરા, ગુજરાત માટે ગર્વની બાબત છે. આગામી 22 જાન્યુઆરીએ કર્ણાટકના બેલગાવીના શિવબસવનગર ખાતે યોજાનાર ઇન્ટરનેશનલ એનાલિટિકલ સાયન્સ કોંગ્રેસ (IASC -2026) માં આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.
એવોર્ડ નિર્ધારીત કરનાર જ્યુરીમાં ઇન્ડિયન સોસાયટી ઑફ એનાલિટિકલ સાયન્ટિસ્ટ્સ (ISAS)ના ચેરમેન તથા એવોર્ડ કમિટીના સભ્યો અને તિરુવનંતપુરના વિક્રમ સારાભાઈ સ્પેસ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો સામેલ હતા.
ISAS એ ભારતના વિવિધ વિષયના વૈજ્ઞાનિકો ટેક્નોલોજીસ્ટનો મંચ છે. તેમણે પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે ઔદ્યોગિક ગંદા પાણીની ટ્રીટમેન્ટ ટેક્નોલોજી, પ્રદૂષણ નિયંત્રણ તથા સર્ક્યુલર ઇકોનોમીના અમલીકરણ ક્ષેત્રે આપના મૂલ્યવાન યોગદાનને હૃદયપૂર્વક સરાહે છે. જ્યારે દેશ સ્વાતંત્ર્યના શતાબ્દી વર્ષ 2047 સુધીમાં મોટા વિકાસલક્ષી લક્ષ્યો હાંસલ કરવાની યોજના બનાવી રહ્યો છે ત્યારે ISAS આપને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રણી પર્યાવરણ નિષ્ણાત તરીકે તથા ભારતીય વિજ્ઞાન અને ટેક્નોલોજીના વધુ વિકાસ માટે એક મહત્ત્વપૂર્ણ “ભારતીય જ્ઞાન સંપત્તિ” (Great Indian Knowledge Asset ) તરીકે સન્માને છે.
ISAS એ ભારતીય વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસ માટે આપના વિશિષ્ટ યોગદાનની કદરરૂપે આપને પ્રતિષ્ઠિત “ISAS આત્મનિર્ભરતા એવોર્ડ–2025” એનાયત કરવાનો નિર્ણય લીધો છે.
તેમણે એફ્લુઅન્ટમાં ક્લોરાઇડની હાજરીથી COD ની ગણતરી પ્રભાવિત થાય છે તે તેમના જાત અનુભવે જોયું અને નિહાળ્યું. અનેક મથામણો પછી તેનો સ્વ ઉકેલ શોધ્યો.
યુએસની APHA દ્વારા પ્રકાશિત" સ્ટાન્ડર્ડ મેથડ્સ"માં દર્શાવેલી COD (Chemical Oxygen Demand) પરીક્ષણ પદ્ધતિમાં, પ્રવાહીના (એફ્લુએન્ટ) નમૂનાઓમાં વધુ ક્લોરાઇડની હાજરીથી થતા અવરોધને ધ્યાનમાં લેવા માટે કરાયેલ ફેરફાર માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ફેરફારને સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યો છે. વધુ ક્લોરાઇડ ધરાવતા COD વેસ્ટવોટર માટે વર્તમાન COD પદ્ધતિમાં ક્લોરાઇડ અવરોધ ઉભો કરે છે, જ્યારે COD કોઈ ઉદ્યોગમાંથી થતી પ્રદૂષણ ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટેનો મુખ્ય પરિમાણ છે.

સ્ટાન્ડર્ડ મેથડ્સમાં આપવામાં આવેલી પદ્ધતિ સ્પષ્ટ રીતે જણાવે છે કે આ પદ્ધતિ ક્લોરાઇડની સાંદ્રતા 2000 mg/L કરતાં ઓછી હોય ત્યારે જ લાગુ પડે છે. ક્લોરાઇડની સાંદ્રતા 2000 mg/L કરતાં વધુ હોય ત્યારે અન્ય પદ્ધતિઓ અનુસરવાની સૂચના આપવામાં આવી છે.
બાબુભાઇ પટેલ દ્વારા "બેક ટાઇટ્રેશન (Back Titration)" પદ્ધતિ રજૂ કરવામાં આવી, જેમાં પહેલા ક્લોરાઇડનું માપ લેવામાં આવે છે અને ત્યારબાદ COD માપવામાં આવે છે. એફ્લુએન્ટ નમૂનામાં જેટલી ક્લોરાઇડ સાંદ્રતા હોય એટલી જ ક્લોરાઇડ સાંદ્રતા ધરાવતો એક કૃત્રિમ નમૂનો તૈયાર કરવામાં આવે છે અને તેમાં પણ COD માપવામાં આવે છે. ક્લોરાઇડ નમૂનામાં મળેલો COD મૂળ નમૂનામાં માપવામાં આવેલા CODમાંથી બાદ કરવામાં આવે છે, જેથી વાસ્તવિક (True) COD પ્રાપ્ત થાય છે.
આ સુધારાને વર્ષોની ચર્ચા અને વિચારણા બાદ સ્ટાન્ડર્ડ મેથડ્સ કમિટીએ સ્વીકાર્યો છે અને જાન્યુઆરી 2023માં અમેરિકન પબ્લિક હેલ્થ એસોસિએશન (APHA) અને અમેરિકન વોટર વર્ક્સ એસોસિએશન (AWWA) દ્વારા પ્રકાશિત "સ્ટાન્ડર્ડ મેથડ્સ"ના તાજેતરના 24મા સંસ્કરણમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.