ગુજરાત સ્થિત કેમિકલ ઈન્ટરમીડિએટ ઉત્પાદક કંપની દીપક નાઇટ્રાઇટ લિમિટેડ (Deepak Nitrite Ltd.) એ વડોદરા જિલ્લાના સાવલી ખાતે 5 એકર વિસ્તારમાં સ્થિત પોતાના નવા ઇનોવેશન સેન્ટર — ‘દીપક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (DRDC) – વર્ઝન 2.0’ — નો શુભારંભ કર્યો છે.
આ નવું સેન્ટર દીપક ગ્રુપની આર એન્ડ ડી પ્રવૃત્તિઓ અને ઇનોવેશન પ્રોસેસને વધુ ગતિ આપશે, તેમજ નવા પ્રોડક્ટ્સ અને ટેકનોલોજી ડેવલપમેન્ટ માટે મજબૂત આધાર પૂરું પાડશે. કંપનીના જણાવ્યા મુજબ, “અગાઉની સુવિધા દ્વારા હાંસલ થયેલા પેટન્ટેડ સિદ્ધિઓના આધારે આ નવું જનરેશન હબ કંપનીના મુખ્ય કાર્ય વધુ ઝડપથી આગળ ધપાવશે.”
સુવિધામાં અદ્યતન લેબોરેટરીઝ, વ્યાપક એનાલિટિકલ સુવિધાઓ, AI આધારિત રિસર્ચ ટૂલ્સ, એન્જિનિયરિંગ યુનિટ, પાઈલટ પ્લાન્ટ સુવિધાઓ, અને પોલિમર યુનિટનો સમાવેશ થાય છે. વધુ પ્રમાણમાં અને ઝડપી ઇનોવેશન સાયકલને સપોર્ટ કરવા માટે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. સાથે જ વિવિધ પ્રકારના કેમિકલ્સના સલામત હેન્ડલિંગ માટે પ્રેશર રીએક્ટર માટે સમર્પિત યુનિટની પણ સ્થાપના કરવામાં આવી છે. DRDC તેના મોટાભાગના ઓપરેશન્સ સોલાર એનર્જી થી ચલાવશે.
વિકાસ અંગે ટિપ્પણી કરતા દીપક નાઇટ્રાઇટ લિમિટેડેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર દીપક મહેતાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે “રિસર્ચ અને ટેકનોલોજી સેન્ટર ઇનોવેશન અને નોલેજ ક્રિએશન માટેનું ઇન્ક્યુબેશન હબ છે. આ અમારી કોર કેમિસ્ટ્રીમાં સતત રોકાણ અને સસ્ટેનેબલ પ્રોસેસ તથા નવા પ્રોડક્ટ્સના વિકાસ માટેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.”

તે જ રીતે દીપક નાઇટ્રાઇટના CEO મૌલિક મહેતાએ જણાવ્યું હતું કે “નવું સેન્ટર માત્ર લેબોરેટરી નથી – તે ડેવલપમેન્ટ અને ઈનોવેશન માટેનું આમંત્રણ છે. આ સેન્ટરનું ઉદ્ઘાટન એ વાતનો પુરાવો છે કે અમે માત્ર કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની નથી, પરંતુ એક એવી કંપની છીએ જે કેમિસ્ટ્રીમાં રોકાણ કરે છે અને મૂલ્યવર્ધિત કેમિકલ્સનું ઉત્પાદન કરે છે. DRDC 2.0 હવે કાર્યરત છે.”
આ નવા પ્લાન્ટથી દીપક ગ્રુપની ટેકનોલોજીકલ ક્ષમતાઓ અને ઈનોવેશન ઈકો સિસ્ટમ વધુ મજબૂત થવાની અપેક્ષા છે. જે ભારતની કેમિકલ ઈન્ડસ્ટ્રીમાં નવી ઊંચાઈઓ સર કરશે.