જીપીસીબીના પ્રાદેશિક અધિકારી જિજ્ઞાશાબેન ઓઝાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે મને અંકલેશ્વરમાં ચાર્જ સંભાળે 11 દિવસ થયા છે. તેમણે ઉદ્યોગોને અપીલ કરી હતી કે આપણે સાથે રહીને ચાલીએ. જો તમે આગળ ચાલશો તો અમારે તમારી પાછળ દોડવું પડશે. તમારે નક્કી કરવાનું છે કે શું કરવું. તમે જે પ્રમાણે તક આપશો તે અમે સહર્ષ સ્વીકારી લઈશું. તોફાની બાળક માટે માતા પાસે સોટી અને વ્હાલનો દરિયાઓ બંને હોય છે. જીપીસીબી પણ ઉદ્યોગો માટે માં સમાન છે. એમાં પણ પસંદગી તમારે કરવાની છે કે સોટીનો ઉપયોગ કરાવવો કે પછી ચોક અને ડસ્ટર નો ઉપયોગ કરાવવો.
તેમને જણાવ્યું હતું કે આપણે એન્જીનીયરીંગ અને એજ્યુકેશનનો સમન્વય કરીને આપણી ઇકોનોમીને સડસડાટ દોડાવવી છે. તેમાં પણ પર્યાવરણનો એટલો જ ખ્યાલ રાખવાનો છે. આપણી સંસ્કૃતિમાં પર્યાવરણને ખુબ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે.
તેમને જણાવ્યું હતું કે હું સુરતથી આવું છું. તેથી હું ચક્રીય અર્થવ્યવસ્થા (સર્ક્યુલર ઈકોનોમી)ના શબ્દને સારી રીતે સમજુ છું. સુરતમાં એવા ઘણા પ્રોજેક્ટ છે જે સર્ક્યુલર ઈકોનોમીના માપદંડમાં ખરા ઉતરીને ચાલે છે. સર્ક્યુલર ઈકોનોમી આ શબ્દ તો હમણાં આવ્યો. બાકી આપણી સંસ્કૃતિમાં દાદાનો ઝભ્ભો કે ધોતિયું ચૂલામાં જાય અગ્નિના હવાલે થાય ત્યાં સુધી તેનો વિવિધ રીતે ઉપયોગ કરવાની પરંપરા છે. તે જ સરકયુલર ઈકોનોમી છે.
હાલની પેઢીને નીચી દેખાડવાનો મારો ઈરાદો નથી. પરંતુ તેમની માનસિકતા કોઈ વસ્તુનો ઉપયોગ કરો તેમાંથી નવીનતમ બનાવી ઉપયોગ કરી છોડી દો તેવી છે. તેને બદલવાની જરૂર છે. વિવિધ એસોસિએશનો, સંગઠનો, સરકારો આપણને ક્યાં સુધી સમજાવતા રહેશે. જો આપણે આપણી વ્યક્તિગત માનસિકતા નહીં બદલીયે તો સફળતા નહિ મળે. તેને મગજમાં ઉતારીશું અને તેને અમલમાં મુકીશું તો જ યીલ્ડમાં સુધારો કરી સફળતા મેળવી શકાશે.
ઈકોલોજી અને એન્વાયર્મેન્ટમાં ધ્યાન કેન્દ્રિત કર્યા સિવાય સફળતા મળવાની નથી. ઉત્પાદન વખતે જે વેસ્ટ ઉત્પન્ન થાય છે તે એકની બાયપ્રોડક્ટ કે વેસ્ટ બીજા માટે ઉપયોગી ગણી શકે, તેનો વેસ્ટ ત્રીજા માટે, વેસ્ટનું પુનઃ ચક્રન થાય. આપણે આપણી માનસિકતા બદલવી જોઈએ.
સરકાર દ્વારા અનેક યોજનાઓ જાહેર કરાય છે. ગોવર્ધન યોજના, સ્વચ્છ ભારત મિશન જેવી અનેક યોજનાઓ. સરકારનો આ યોજનાઓ પાછળ ઊંડા આશય હોય છે. ઘણી વખત આપણને એવું લાગે કે સરકાર તો છાશવારે નવા પ્રોજેક્ટ લોન્ચ કરે, સરકાર નવરી છે. પરંતુ ઉંડાણથી વિચારવામાં આવે તો તેમાં આપણા અસંતુલિત થઇ રહેલ પર્યાવરણને સંતુલિત કરવાના પ્રયાસ પણ હોય છે.

મિશન લાઈફ -લાઈફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ. જે આપણી આસપાસની પ્રકૃતિને ખીલવા માટે વાતાવરણ બનાવે. આપણે આપણી માનસિકતા બદલવાની જરૂર છે. કેટલાક લોકો સવારે નાસ્તો કરે, ચાના કૂચા, શાક સમારી કચરો પડે તે કચરો પ્લાસ્ટિકના ઝભલામાં ભરીને ઓફિસે જતા સાથે લેતા જાય. વચ્ચે કોઈ જગ્યાએ તે બેગ નાખી દે. તમારી આસપાસના વાતાવરણનો તમારે જ ખ્યાલ રાખવાનો છે. તો કુદરત પૂરબહારમાં ખીલી ઉઠશે.
તેમને જણાવ્યું હતું કે જેવી રીતે ધાર્મિક થઇ પ્રણ લેવામાં આવે છે તેવી રીતે પર્યાવરણ માટે પણ ચિંતિત થઇ પ્રણ લેવું જોઈએ. જ્યાં સુધી પર્યાવરણ પ્રત્યે ચિંતિત નહિ થાઓ ત્યાં સુધી પર્યાવરણ સુધારવાનું નથી.
હું શિષ્ટની આગ્રહી છું. આ દિશામાં અને આ રીતે કામ થવું જોઈએ. તો થવું જ જોઈએ. મેં અંકલેશ્વરના પર્યાવરણ વિષે જે સાંભળું છે અને જે મેં જે અનુભવ્યું તે વચ્ચે અંતર છે.મને લાગે છે કે તે અભાસનું કોચલું છે તેને તોડવાની જરૂર છે.
સર્ક્યુલર ઈકોનોમી વિષે બોલતા તેમણે જણાવ્યું હતું કે સર્ક્યુલર ઈકોનોમી કઈ રીતે સ્વીકારી શકાય તે માટે તેમને ઉદાહરણ અપાતા જણાવ્યું હતું કે આપણે કપડાંની અનેક જોડી રાખતા હોઈએ છીએ. આજની જનરેશન યુઝ એન્ડ થ્રો માં મને છે. જો તેની પાસે 10 જોડી કપડાં હોય તો તેને એક જોડી ઓછી કરવાનો નિર્ણય કરવો જોઈએ. તેનાથી જો એક શહેરની વસ્તી 15 લાખ હોય તો 15 લાખ જોડી ઓછી થાય છે. તેનાથી કેટલું પાણી, કેટલું કેમિકલ, ઍનર્જી બચે છે. જે પર્યાવરણ માટે કેટલું હિતકારક છે.
તેમણે ઉદ્યોગોને એવી પણ સલાહ આપી હતી કે આપણને પસંદ ના હોય તેવો વ્યવહાર બીજા સાથે ના કરવો જોઈએ. પાડોશી કંપનીની ફરિયાદ આપણે કરીએ પણ આપણે તો તેવું નથી કરતાને તેનું ધ્યાન રાખવું જોઈએ. પાડોશી કંપની એસિડિક કે આલ્કલાઈન પાણી છોડે તો આપણે ફરિયાદ કરીએ છીએ. પરંતુ આપણે પણ તેવું ના કરવું જોઈએ તેનું ધ્યાન કહેવું જોઈએ.
અંકલેશ્વરમાં પર્યાવરણના ઇન્ફ્રાસ્ટ્રકચરને લગતી બધી જ સગવડો છે. સોલિડ હેઝાર્ડસ વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ છે. કોમન સીઇપીટી સાઈટ છે. કોમન બોઈલર છે. સૌથી અગત્યનું કોઈની પાસે નથી તેવી ટ્રીટેડ એફ્લુએન્ટને દરિયામાં ઊંડે સુધી છોડવાની પાઈપલાઈનની મંજૂરી છે. તો પછી આપણે નાની પીપરમેટ જેવી લાલચ માટે આપણી છાપ ખરાબ કેમ કરીએ છીએ.
તેમણે છેલ્લે માર્મિક વાક્ય કહ્યું હતું કે જે શાનમાં સમજાશે તે શાણો કહેવાશે.