તારીખ 1 લી જૂન ના રોજ અંકલેશ્વર શહેરમાં આવેલ માં શારદા ભવન ટાઉન હોલ ખાતે ઝીલ નૃત્ય નિકેતન દ્વારા ત્રણ દીકરીઓના ભરતનાટ્યમ આરંગેત્રમ ના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
ભરતનાટ્યમ નૃત્યના અભ્યાસ અને ટ્રેનિંગ પછી સ્ટેજ પ્રવેશનો તબક્કો આરંગેત્રમ આવે છે. આજે પરિધિ, ધાર્મી અને સ્વરાએ ભરતનાટ્યમ આરંગેત્રમ માં પોતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. તેમના પ્રદર્શનથી દર્શકો મંત્રમુગ્ધ બની ગયા હતા. સાત વર્ષેની નાની ઉંમરે ભરતનાટ્યમ શીખવાની શરૂઆત કરીને છ સાત વર્ષની નિરંતર અભ્યાસ પછી તેમાં પરિપૂર્ણતા મેળવ્યા પછી આરંગેત્રમ પ્રસ્તૃત કર્યું છે.
પરિધિના પિતા કપિલ લાડ અને માતા પ્રજ્ઞાબેન લાડ, ધાર્મી ના પિતા શૈલેષભાઇ અમીપરા અને માતા જયશ્રીબેન અમીપરા તેમજ સ્વરના પિતા હરેશભાઇ લિમ્બાચીયા અને માતા પ્રીતિબેન લિમ્બાચીયાનો તેમને પ્રોત્સાહિત કરવામાં અને સતત ઉત્સાહ બનાવી રાખવામાં અગત્યનો ફાળો છે.
ઝીલ નૃત્ય નિકેતનના કલા ગુરુ કલ્પનાબેન જૈન દ્વારા તેમને સતત પ્રોત્સાહન અને ટ્રેનિંગ આપીને પ્રોત્સાહિત કરાયા. તેઓ સતત 40 વર્ષથી આ સંસ્થામાં ભરતનાટ્યમ ક્ષેત્રે કાર્યરત છે.

આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ગુજરાત હાઈ કોર્ટ અમદાવાદના એડવોકેટ સૌરભ મહેતા , યુપીએલ યુનિવર્સિટી વટારીયા ના પ્રોવોસ્ટ શ્રીકાંત વાઘ તેમજ શ્રી વાસન વિદ્યામંદિર ગાંધીનગરના કલાપ્રેમી શિક્ષિકા કિન્નરીબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
ભારતની પૌરાણિક અને આધ્યાત્મિક સંસ્કૃતિના ભરતનાટ્યમ નૃત્ય આજની પેઢી એટલું સરસ રીતે કરી શકે અને તે અમૂલ્ય વારસાને આગળ વધારે તે જોઈ પ્રેક્ષકો ખરેખર ગદગદ થઇ ગયા. આવનાર પેઢી તેને વધારે મજબૂત રીતે લોકભોગ્ય બનાવશે તેવી આશા જીવંત બની.