તારીખ 8 મી એપ્રિલે અંકલેશ્વરના ભીડ ભંજન હનુમાન મંદિર ખાતે હોમીયોપેથી દિવસ-2025 ઉજવણી અંતર્ગત વિનામૂલ્યે નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનો શુભારંભ જિલ્લા આર્યુવેદ અધિકારી ડો. આમ્રપાલીબેન પટેલ તેમજ ભીડભંજન હનુમાન મંદિરના મહંત રામગોપાલદાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ કેમ્પનો લાભ વિવિધ રોગથી પીડાતા વ્યક્તિઓએ મોટી સંખ્યામાં લીધો હતો. આ કેમ્પમાં દર્દીઓના રોગનું નિદાન કરીને તેમને વિનામૂલ્યે દવા આપવામાં આવતી હતી. તેમજ વર્કશોપ અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું. યોગશિબિરનું પણ આયોજન કરાયું હતું.
ડો. આમ્રપાલીબેન પટેલે જણાવ્યું હતું કે વિશ્વ્ હોમીયોપેથીક દિવસ નિમિત્તે તારીખ 7 થી 9 દરમ્યાન ગુજરાત અને ભરૂચ જિલ્લામાં તેની ઉજવણી થઇ રહી છે. જેમાં ભરૂચ જિલ્લામાં આવેલ 9 દવાખાનામાં ત્રણ-ત્રણ દવાખાના ભેગા કરીને તાલુકા કક્ષાએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે ભોલાવ મિશ્ર શાળા ખાતે કેમ્પ હતો. આજે અંકલેશ્વર ખાતે કેમ્પ છે અને આવતીકાલે સબ સેન્ટર વાગરા ખાતે કેમ્પનું આયોજન કરેલ છે. હોમિયોપેથીક ચિકિત્સા પદ્ધતિનો વધારેમાં વધારે પ્રચાર પ્રસાર થાય તે પણ આ કેમ્પનો હેતુ છે.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સંચાલિત નોબરીયાઆંગણવાડી દ્વારા કુપોષણ નાબુદી માટે જાગૃકતા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ખાતે યોજાયેલ કેમ્પમાં કુપોષણ નાબુદી માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
આ કેમ્પમાં જિલ્લા આર્યુવેદ અધિકારી- ભરૂચ ડો. આમ્રપાલીબેન પટેલ, હોમીયોપેથીક એમ .ઓ. સિસોદરા ડો. નરેશ પટેલ, હોમીયોપેથીક એમ.ઓ. ધારોલી (તા. ઝગડીયા) ડો. પ્રવીણ પટેલ, હોમીયોપેથીક એમ.ઓ. નબીપુર (તા. ભરૂચ) ડો. જયદીપ તલાટી તેમજ યોગ નિષ્ણાત કનૈયાલાલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સેવાઓ આપી હતી.